મન ક્યાં માને છે

પહેરી રાખ્યો હશે તે નકાબ, મન ક્યાં માને છે,
પ્રેમ ક્યાં કોઈ પણ હિસાબ-કિતાબ જાણે છે.

રહે છે યાદ એટલું, જે હોય મને મનગમતું,
બાકી બીજું ભૂલવું મન સારી રીતે જાણે છે.

મૂકી દીધી છે મેં તારી ચર્ચાઓ કોરાણે,
ભટકીશ હું તારા નામથી, લોકો બખૂબી જાણે છે. વિપ્લવ

(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગા)

Advertisements

મેં તને દિલથી…

મેં તને દિલથી ચાહી હતી,
એ વાત અલગ છે કે ત્યારે,
ઉંમર આપણી નાની હતી.

કોને એ પણ ખબર હતી,
પ્રેમ-આકર્ષણમાં રેખા હતી.
આંખોને તુંજ દેખાતી હતી,

એક વાતની ખાતરી હતી,
આકર્ષણ પ્રેમની સીડી હતી,
એ સીડી મેં તારી સાથે ચઢી હતી.

મેં તને દિલથી ચાહી હતી. વિપ્લવ

સોનેરી યાદો

હું તો દૂરથી જ પાછી વાળું તારી યાદોને,
ડર હતો, ક્યાંક પાછી ન વાગોળું તારી વાતોને.
એ મુલાકાતોને, રૃમઝુમતી રઢિયાળી રાતોને,
કરું કોશિશ, ભુલાવું એ સઘળી સોનેરી યાદોને. વિપ્લવ

કોને યાદ છે

વસમી રાતોનો સરવાળો કોને યાદ છે,
મનમાં બોલાયેલા શબ્દો કોને યાદ છે.

યાદ છે કે તે કહ્યું હતું તું આવીશ,
તું આવી જતો રહ્યો કોને ભાન છે.

નીકળી ગ્યા એ વાટ આગળ એટલા કે,
ક્યારેક હતો પ્રેમ કોને યાદ છે.

ચાબુક જેવા લાગ્યા’તા તારા એ આખરી વેણ,
ભુલ્યો બધું, પણ તારા શબ્દો જોને યાદ છે.

આવીને દીધાં બહુ મોટા વચનો તમે,
વિકાસની પડીકી લોકોને યાદ છે. વિપ્લવ

એકલતા

એકલતા તો તને પણ કોરી ખાતી હતી,

ક્યારેક અમસ્તાં હસવામાં છુપાવતી,

ક્યારેક જૂઠું બોલી ખુદને મનાવતી,

પોતાથી છુપાવવુંજ તો સહેલું હતું,

બાકી ઉઘડી જવાની ઘણી ભીતિ હતી. વિપ્લવ

તું

દિવાસ્વપ્નની પરિકલ્પના સમી તું,

સળગતા દીવાની જ્યોત સમી તું,

સપ્તસૂરોની રાગિણીઓ સમી તું,

નિરખતું રહે બંધ આંખે જેને હ્ર્દય,

છે કુદરતની સંપૂર્ણ કવિતા સમી તું.  વિપ્લવ

મુક્તક

મળશો જો સામે, તો કહી દેશું,
સંગ સંગ રાસ રમી લેશું,
વાલમ આવો તો કરું દિલની વાત,
છે પ્રેમ, ઈકરાર કરી લેશું. વિપ્લવ

(નવરાત્રીમાં ઉઠતી ઉર્મિઓની છોળ પર મારુ એક મુક્તક.)

સિક્કાની બીજી બાજુ

છેલ્લા ઘણા દિવસોથી બાબા રામ રહીમ ચર્ચામાં છે. મુદ્દો તો બહુ પહેલા ઉખડી ચુક્યો હતો, પણ ભાઈસાહેબે કંઈ પણ કરીને વર્ષો સુધી કેસ ઢસડયે રાખ્યો, પણ છેલ્લે તો જે થવાનું હતું એ થઇ ગયું. હમણાં જ એના આશ્રમનું પોસ્ટ મોર્ટમ થયું, ને ઘણી બીજી વિચિત્ર માહિતીઓ બહાર આવી.

થોડુંક જીણું કાંતતા એક વસ્તુ ઉડી ને આંખે વળગે એ એ છે, કે આ બધા બાબા-બાબીઓનું મુખત્વે બે જગ્યાએ ધ્યાન હોય છે, એક ધન ઉપર ને બીજું સેક્સ ઉપર. મોટા ભાગે જો માર્કેટિંગ સારું હોય તો ધનની કોઈ ઉણપ રહેતી નથી, માંગો એનાથી વધારે મળે છે (હાસ્તો, આપણે જ તો બે હાથ ખુલ્લા રાખીને આપીએ છીએ). જેવી ધનની ભરમાર થાય એટલે એમની અંદર સુતેલો શૈતાન જાગે ને પછી સેક્સ માટે વલખા માર્યા રાખે.

એક તરફ ઓશો છે ને બીજી તરફ આ બધા લેભાગુઓ. ઓશોએ સેક્સથી સમાધિ સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો, પોતાની ઈચ્છાઓને મુક્તપણે મુકવાનો આગ્રહ રાખ્યો. કદાચ એ બરાબર સમજી ગયા હશે કે જો તમે કામેચ્છાને દબાવશો તો એક નહિતર બીજી રીતે બહાર આવશે. જયારે બીજા બધા ગુરુઓ પોતાની ઈચ્છાઓને દબાવવાનું તો કહે છે પણ ખરેખર પોતાના ઉપર જ અમલ નથી કરી શકતા, ને પછી પાછલે દરવાજે આવી બધી હરકતો કરતા રહે છે, ત્યાં તેમનું ખરું રૂપ સામે આવે છે, સિક્કાની બીજી બાજુ જે બધાની સામે નથી આવતી, ને જેની સામે આવે છે એની હાલત આશારામ અને રામ રહીમ જેવી થાય છે.  (આ બધા બાબાઓ પોતાને રામની સાથે કેમ સરખાવતાં હશે, આશારામરામ રહીમ, – રામપાલ )

છેલ્લે એક સવાલ – આ બાબા-બાબીઓને પહેલા ઓશોની સ્કૂલમાં મુકવામાં આવે તો, શું આવા અપકૃત્ય થતા બચાવી શકાય?

મૌન

ઊંડે ઉતરીને ગોત્યું, મને મૌન સિવાય કંઈ ન મળ્યું,
એ મૌન પણ બહુ વાચાળ હતું, ચૂપ રહી ઘણું બોલ્યું.

બેચાર ડુસકાનું નું ભાગીદાર હતું, જે અંધારે ખૂણે પડ્યા’તા,
હતું એને બધું ખબર, ક્યાં આંખો આંખોમાં જીવ મળ્યાં’તા.

હતું કે બધું ભુલાઈ ગયું હશે, પણ એણે સંઘરી રાખ્યું’તું,
સુકાઈ ગયા હતા એ બધા ઝખ્મો સાથે લોહીલુહાણ બેઠું’તું

પંપાળી, ફોસલાવી એને ચૂપ રહેવા મનાવી લીધું,
સભ્યતાનું ખોટું આવરણ વળી પાછું ઓઢાવી દીધું.  ~~વિપ્લવ

પરાણે વ્હાલા

સાલ્લુ, ઘણા દિવસથી સમજાતું નહોતું કે ફલાણા ભાઈ અને બહેનને, વાતે વાતે, વાક્યે વાક્યે આટલી વાહ..વાહી અને કોમેન્ટ્સ મળે છે.
અને લખવું તો નો જોઈએ પણ બેનબાનું તો પૂછો જ નહીં. જરાક અંદર ઝાંખીને જોયું તો પ્રશ્ન થાય કે આ વાતમાં દમ છે, પણ વાતમાં દમ હોય કે નો હોય, બેનબા થોડા રૂપાળા ખરાને, એટલે ઘણા ડોકિયું કરવા તો આવવાના, થોડી લાળ ટપકાવીને જવાના. ને એવું નથી કે આ વાત બેનબાને જ લાગુ પડે છે, ભાઈને પણ એટલી જ લાગુ પડે છે. ભાઈ લખે એટલે બસ ભાઈ લખે. પછી એ સારું હોય કે ન હોય, સલામી દેવા બીજા તૈયાર જ છે. ઘણા વાડકી વ્યવહાર કરતા હોય ને ઘણા ને એમ હોય કે આમણે લખ્યું છે તો સારું જ હશે, ને મારા જેવા ગડમથલમાં હોય.

 

આજકાલ, પરાણે વ્હાલા બનવાની દોડ છે. જેવું લાગે કે ભાઈ રેસમાં ભાગશે, એટલે ઓળખીતા પાળખીતા વધી જવાના. બસ ફોટો મુકોને એમની લાઈક હાજર જ હોય, સાથે એવી મીઠી કોમેન્ટ કરે કે બીજાને તો એમ જ લાગે કે ઓહ કેટલો જૂનો પરિચય હશે. સાલ્લુ મને તો એમ જ લાગે કે નવા નવા જમાઈને સાસુ પોંખે છે.